Saturday, May 12, 2012


ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ

ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ

કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.

- જવાહર બક્ષી


એક હતી ચકલી, ઓઢી ચાલી છત્રી
ભરવા ગઈ પાણી, પૂર લાવી તાણી
ચકીબેન ફેશનવાળા, ગળામાંતો બાંધે માળા
એણે પહેરી સાડી, મોરપીંછા વાળી
એણે પહેર્યા સેંડલ, નાખી પર્સ પેંડલ
મોટરમાં તો ફરવા ગઈ, ચપટી દાણા ચણવા ગઈ
દાણા લાવી પાલી, બધાને લાગે વ્હાલી
કેવા ચકીબેન સારા, સૌને લાગે પ્યારા

બિલ્લી માસી ભણવા ચાલ્યાં લઈને પાટી પેન
હાથમાં લીધું દફતરને જોઈ રહ્યા છે બેન
સામા મળ્યા કૂતરાભાઈ, ગભરાઈ બિલ્લીબેન
કૂતરાભાઈ પૂછે છે ક્યાં ચાલ્યા બિલ્લીબેન
નિશાળે તો હું એકડો ભણીશ લઈને પાટી પેન
ભણી ગણીને હોશિયાર થઈને બની એક દી બેન
કૂતરાભાઈ નિશાળે ચાલ્યા લઈને પાટી પેન
નિશાળમાં તો તેને ભણાવે સૌથી મોટા બેન
પછી તો બધા ભણવા લાગ્યા સાથે
બધા તો સંકલ્પ કર્યો સાક્ષર બનવાનો હાથે


ફૂલ કહે ભમરાને,
ભમરો વાત કહે ગુંજનમાં,
માધવ ક્યાં નથી મધુવનમાં.
કાલિંદીના જળ પર ઝૂકી,
પૂછે કદંબ ડાળી.
યાદ તને બેસીને વેણું અહીં,
વા’તા તા વનમાળી.
લહેર વમળને કહે,
વમળે વાત સ્મરે સ્પંદનમાં,
માધવ ક્યાં નથી મધુવનમાં.
શિર પર ગોરસ મટુકી ભારી,
વાટ ના તિરે ખૂટી.
અબલખ કંકર એક ન લાગ્યો,
ગયા ભાગ્ય મુજ ફૂટી.
કાળજ કહે આંખોને,
આંખો વાત બહે અશ્રુવનમાં,
માધવ ક્યાં નથી મધુવનમાં.
શબ્દો - કવિશ્રી હરીન્દ્ર દવે
ગઝલ - આશા પુરોહિત


તું ગઈ, ને, એટલે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.

ચોતરફ એકાંતનો છે એવો દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.

કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.

એકલા આ મૌનમાં જીવીને શું કરું,
તું નથી, ને, એટલે સંવાદ પણ ગયો.

હું તને શોધ્યા કરું, ને તું મળે નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.

gujaratigazal-girgadhada.blogspot.com: સાવ અંગત એક સરનામું મળ્યુંઆજ વર્ષો બાદ એ પાનું મળ્...

gujaratigazal-girgadhada.blogspot.com: સાવ અંગત એક સરનામું મળ્યુંઆજ વર્ષો બાદ એ પાનું મળ્...: સાવ અંગત એક સરનામું મળ્યું આજ વર્ષો બાદ એ પાનું મળ્યું મેં લખેલી ડાયરી વાંચી ફરી, યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું. સોળમા પાને પતંગિયું સળવળ્યુ...
સાવ અંગત એક સરનામું મળ્યું
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.

- હરિશ્ચન્દ્ર જોશી